Description
સ્વરૂપ જ્ઞાનની પ્ર્રાપ્તિ પછી પોતે ‘શુધ્ધાત્મા’ પદમાં આવી જાય છે. પોતે કર્તા નથી પણ સ્વરૂપ કેવળ જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદી છે. અહીં એ પ્રશ્ન ઊભો થાય છે કે, તો પછી જગત કોણ ચલાવે છે? જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રીની શોધખોળ મુજબ હમેંશા ‘વ્યવસ્થિત શક્તિ’નાં આધીન જગત ચાલે છે માટે જગત હમેંશા “વ્યવસ્થિત” જ રહેલું છે. વ્યવસ્થિત શક્તિ એટલે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ, કેટલા બધાં સંયોગો ભેગા થઈને પછી જે આવે તે પરિણામ. વ્યવસ્થિતનું જ્ઞાન આપણને ભયમુક્ત રાખે છે. ચિંતા, ઉપાધિ, ટેન્શન રહિત બનાવે છે !
પ્રસ્તુત ગ્રંથમાં પરમ પૂજ્ય દાદાશ્રી વ્યવસ્થિત શકિતનાં સિધ્ધાંત ને વિગતવાર સમજાવે છે. ‘મેં કર્યું’ એવું થયું કે કર્તા થયા. કર્તા થાય તેની જોખમદારી ઊભી થાય. ‘આ મેં કર્યું’ એમ થયું કે કર્મને પોતે આધાર આપ્યો એટલે કર્મ બંધાય. જો કે આત્મજ્ઞાન પછી આવા વિચાર જતાં રહે છે કારણકે પોતાને અનુભવ થાય છે કોઈ સ્વતંત્ર કર્તા નથી. જેવી રીતે તમે સ્વતંત્ર કર્તા નથી તેમ બીજી વ્યકિત પણ સ્વતંત્ર કર્તા નથી. તેથી સામી વ્યક્તિ સાથે રાગ-દ્વેષ ના થાય. વ્યવસ્થિતનું જ્ઞાન આપણને રોજબરોજનાં જીવનમાં મદદ કરી શકે તેવું છે, આપણને વર્તમાનમાં રાખે અને ભૂત કે ભવિષ્યના ગુંચવાડામાં અટવાઈ ના જવાય. પરંતુ વર્તમાનમાં આપણી કામ કરવાની એફિસિયન્સી(શક્તિ) વધારે છે. જોકે પરમ પૂજ્ય દાદાશ્રી વ્યવસ્થિત શક્તિનાં જ્ઞાનનાં દુરૂપયોગ સામે ચેતવે છે કે જ્યાં કોઈ હેતુપૂર્વક કશુંક અવળું કરે અને પછી વ્યવસ્થિત શકિત પર આરોપ મૂકે.
સાચી સમજણ અને વ્યવસ્થિત શકિતનાં જ્ઞાનનાં વ્યવહારુ ઉપયોગથી જીવનમાં શાંતિ અને સમતા આવશે. જે આપણને આત્યંતિક કલ્યાણ તરફ દોરી જશે.