Description
પ્રસ્તુત પુસ્તકોના સેટમાં પરમ પૂજ્ય ‘દાદા ભગવાન’ના શ્રીમુખેથી વહેલ આત્મવિજ્ઞાનને સૂત્રમાં સંકલિત કરવામાં આવ્યું છે. પ્રત્યેક સૂત્ર સ્વતંત્ર તેમજ અનુસંધાનયુક્ત છે. એક એક સૂત્ર સામાન્ય સમજથી ઠેઠ કેવળ જ્ઞાનમાં સંપૂર્ણ સર્વાંગ ફોડ આપનારા તેમજ વ્યવહારના પ્રશ્નોથી માંડીને ગુહ્યતમમાં ગુહ્યતમ તત્વોનાં રહસ્યોનું અનાવરણ કરનારાં છે.
આપ્ત એટલે શું? સંસારમાં ને ઠેઠ મોક્ષે જતાં સુધી સર્વ રીતે વિશ્વાસ કરવા યોગ્ય ! સંસારમાં આપ્ત કોઈ પુણ્યશાળીને પ્રાપ્ત થાય, કિંતુ મોક્ષમાર્ગમાં આપ્તપુરુષની પ્રાપ્તિ અતિ અતિ વિકટ છે. આપ્તપુરુષ જેને પ્રાપ્ત થાય એ મહા મહા ભાગ્યશાળી !
સૂત્ર એટલે શું? પૂજ્ય દાદાશ્રી સમજાવે છે : ‘સો મણ સૂતરમાં એક વાલ સોનું ગૂંથીએ ને પછી પાછું તેમાંથી શુદ્ધ સોનું કાઢવું તે.’
જે કેવળ મોક્ષના જ કામી છે એવા મુમુક્ષુઓ, ‘આપ્તસૂત્ર’ના આરાધનથી સમકિતના દ્વાર સુધી જઈ શકે તેમ છે !
સાધનાનાં સર્વે સોપાનોનું થર્મોમીટર પ્રસ્તુત ગ્રંથમાં છે. અજ્ઞાન દશાથી માંડીને ઠેઠ આત્માનું કેવળ જ્ઞાનસ્વરૂપ સુધીનાં – અજ્ઞાનીની દશા, સ્વરૂપજ્ઞાન પ્રાપ્તિ પછી મહાત્માઓની દશા, સંપૂર્ણ જ્ઞાનીની દશાને કેવળ જ્ઞાનીની દશાનાં વર્ણન પૂજ્ય દાદાશ્રીએ અત્યંત સરળ ભાષામાં સમજાવ્યાં છે. સાધકને પ્રત્યેક પળે એ પથદર્શક છે.
વિશ્વના સૂક્ષ્મતમ છ તત્વ ના સ્વભાવ, ગુણ, અવસ્થાઓનું, તેમજ સંસાર પરિભ્રમણના કાર્ય-કારણની સંકલના ઈ.ઈ. નો ફોડ અતિ અતિ સરળ ભાષામાં જ્ઞાની પુરુષે પ્રગટ કર્યો છે ! આશા છે કે જિજ્ઞાસુ-મુમુક્ષુઓ તેમજ તત્વચિંતકોને મોક્ષમાર્ગ પ્રકાશિત થવામાં માર્ગદર્શક બની રહે !