Description
જુન ૧૯૫૮ના આશરે સાંજે છ વાગ્યાના સુમારે, ગુજરાતના સુરત રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ત્રણના બાંકડા પર સુઘડ કપડા પહેરેલા કાળી ટોપીવાળા એક સજ્જન બેઠા હતા. પ્લેટફોર્મ ટ્રેનો અને લોકોથી ધમધમી રહ્યું હતું. તેમણે સૂર્યાસ્ત પહેલાં સાંજનું વાળુ હમણાં જ પૂરું કર્યું હતું અને વડોદરા જવા માટે બીજી ટ્રેનની રાહ જોતાં હતા. તેમનું નામ હતું અંબાલાલ મૂળજીભાઈ પટેલ. તેમના સહાયક વાસણો ધોવા ગયા. આ સમયે અંબાલાલની અંદર કુદરતે વિલક્ષણ આધ્યાત્મિક જગત ખુલ્લું કર્યું. અડતાલીસ મિનિટ ચાલેલા આ સ્વયંસ્ફૂરિત આત્મજ્ઞાન પછી જગતે અંબાલાલને જ્ઞાની પુરુષ દાદાશ્રી તરીકે જાણ્યા. સર્વજ્ઞ ‘દાદા ભગવાન’ તેમનામાં પ્રગટ થયા.
કુદરત ક્રમે અંબાલાલ મૂળજીભાઈ રૂપી મંદિરમાં કુદરતી રીતે દાદા ભગવાન વ્યક્ત થયા. આ તેમની પૂર્વેના કેટલાય ભવોની આધ્યાત્મિક સાધનાની પરાકાષ્ઠા હતી. આ આધ્યાત્મિક જ્ઞાન સંપૂર્ણ અને સ્વયંસ્ફૂરિત રીતે વ્યક્ત થયું હતું અને આ જ્ઞાન હવે અક્રમ વિજ્ઞાનના નામે ઓળખાય છે. એક કલાકમાં તેમને બ્રહ્માંડ દર્શન લાધ્યું હતું. આધ્યાત્મિકતા ને લગતા બધા સવાલોના જવાબોનું દર્શન થયું અને સવાલો પુરેપુરા ઓગળી ગયા. આ જગત શું છે? તેને કોણ ચલાવે છે? હું કોણ છું? આપણે બધા કોણ છીએ? કર્મ શું છે? બંધન શું છે? મુક્તિ શું છે? મુક્તિ નું રહસ્ય શું છે? મોક્ષ કેવીરીતે મળે? આવા અસંખ્ય સવાલોના જવાબો આ પ્રક્રિયામાં ખુલ્લા થયા. આમ કુદરતે જગતને, સર્વોચ્ચ અને અજોડ આધ્યાત્મિક દર્શન, ભાદરણ ગામનાં સમાજના માનવંતા સભ્ય, પરણેલા અને કોન્ટ્રેક્ટનો ધંધો કરતાં શ્રી એ. એમ. પટેલના, માધ્યમથી આપ્યું.
સંસારી હોવા છતાં આ કોઈ સામાન્ય પુરુષ ન હતા જેમનામાં અનંતને સમજવા, જાણવા અને અનુભવવાની અદમ્ય ઈચ્છા બાળપણથી હતી. જુન ૧૯૫૮ના આ દિવસે આવા મનુષ્યમાં અસામાન્ય વિજ્ઞાન અક્રમ વિજ્ઞાન વ્યક્ત થયું.