Description
૧. મૃત્યુ સમયે,પહેલાં ને પછી...
૨. કર્મ નું વિજ્ઞાન
આ પુસ્તકોમાં જ્ઞાની પુરુષ બધા કર્મો અને જીવન અને મૃત્યુના ચક્રની પાછળના વિજ્ઞાનનું રહસ્ય ખુલ્લું કરે છે. જીવન અને મૃત્યુ શું છે? કર્મો કેમ બંધાય છે? શું મનુષ્ય કર્મોથી મુક્ત થઇ શકે? આપણું મૃત્યુ કેમ થાય છે? શા માટે દરેક જણ મૃત્યુથી ડરે છે? મૃત્યુ શરીરનું થાય છે કે અહંકારનું? જેવા પ્રશ્નોના વૈજ્ઞાનિક ખુલાસા પણ તેમણે આપ્યા છે. નીચે જણાવેલા પુસ્તકો દ્વારા બધા સત્ય ખુલ્લા કરો આધ્યાત્મિક હકીકત જાણો.
૧. મૃત્યુ સમયે, પહેલાં ને પછી....
ઘણા લોકોને મૃત્યુનો ભય હોય છે. મૃત્યુ લોકોને મૂંઝવે છે અને તેઓ દુઃખમાં ડૂબી જાય છે. દરેક જણને પોતાના જીવન દરમ્યાન ક્યારેક મૃત્યુના સાક્ષી બનવું પડે છે. આવા સમયે મૃત્યુના ખરા સ્વરૂપ વિષે સેંકડો સવાલો વ્યક્તિના મનમાં ઉભા થાય છે. જયારે તેને તેના કોઈ જવાબ નથી મળતા ત્યારે તે વ્યાકુળ બની જાય છે.
મૃત્યુ શું છે? મૃત્યુની પ્રક્રીયામાં શું થાય છે? મૃત્યુ પછી શું થાય છે? મૃત્યુના અનુભવ વિષે કોણ કહી શકે? મૃત્યુ પામેલા પોતાનો અનુભવ કહી નથી શકતા. જેનો જન્મ થાય છે તેને પોતાના પૂર્વઅસ્તિત્વની ખબર નથી. જન્મ પહેલાં અને મૃત્યુ પછી શું થાય છે તે કોઈ જાણતું નથી. શું પુનર્જન્મ સત્ય છે? આત્માની માન્યતામાં શ્રદ્ધા વિના પુનર્જન્મનો આધાર શું?
પરમ પૂજ્ય દાદાશ્રીએ તેમના જ્ઞાન (આત્મજ્ઞાન) થકી મૃત્યુ વિષેના તમામ રહસ્યો જેમ છે તેમ ખુલ્લા કર્યા છે. પુનર્જન્મ, જન્મ અને મૃત્યુનું ચક્ર, કર્મોનું બંધન તેઓ વૈજ્ઞાનિક રીતે સમજાવે છે અને આ કર્મોના બંધન તોડી મુક્તિ મેળવવાની અંતિમ ગુરૂ કિલ્લી પણ આપણને આપે છે. જયારે તમે આત્માનું સ્વરૂપ સમજશો, ત્યારે બધા કોયડા ઉકલી જશે. પહેલાં આત્માનો સાક્ષાત્કાર કરો પછી બધા કોયડા ઉકલી જશે. જીવન અને મૃત્યુના તમામ રહસ્યોના ખુલાસા થવાથી જન્મ અને મૃત્યુથી મુક્ત સ્થિતિએ પહોંચી શકાય છે.
આ પુસ્તિકામાં આવી હકીકતો જોવામાં આવશે અને તેથી વાચકને સંસારિક અને આધ્યાત્મિક બાબતોમાં લાભ થશે.
૨. કર્મ નું વિજ્ઞાન
કર્મ શું છે? શું સારા કર્મો ખરાબ કર્મોને ધોઈ શકે? શા માટે સારા માણસો દુઃખી થાય છે? કર્મો બંધાતા કેમ રોકી શકાય? શરીર કે આત્મા, કર્મોથી કોણ બંધાયેલું છે? આપણા કર્મો પુરા થાય છે ત્યારે શું આપણું મૃત્યુ થાય છે?
આખું જગત કર્મના સિદ્ધાંત સિવાય બીજું કંઈ નથી. બંધનનું અસ્તિત્વ પૂર્ણપણે તમારા ઉપર નિર્ભર છે, તમે પોતે જ તેના માટે જવાબદાર છો. બધું જ તમારું આલેખન છે. તમે તમારા શરીરના બંધારણ માટે પણ જવાબદાર છો. તમારી સામે જે આવે છે એ બધું તમારું જ ચીતરેલું છે; બીજું કોઈ એને માટે જવાબદાર નથી. અનંત જન્મો માટે તમે જ “ સંપૂર્ણપણે અને એકલા “ જવાબદાર છો.- પરમ પૂજ્ય દાદાશ્રી
કર્મોના બીજ ગયા ભવમાં નંખાયા હતા તેના ફળો આ ભવમાં મળે છે. આ કર્મોના ફળ કોણ આપે છે? ભગવાન? ના. તે કુદરત અથવા ‘વ્યસ્થિત શક્તિ’ (સાયન્ટીફીક સરકમસ્ટેન્સીયલ એવીડન્સ) કહેવાય છે તે આપે છે. પરમ પૂજ્ય દાદાશ્રીએ, પોતાના જ્ઞાન વડે કર્મોનું વિજ્ઞાન જેમ છે તેમ ખુલ્લું કર્યું છે. અજ્ઞાનને કારણે, કર્મો ભોગવતી વખતે રાગ – દ્વેષ થાય છે, તેથી નવા કર્મો બંધાય છે જે પછીના ભવમાં પાકે છે અને તે ભોગવવા પડે છે. જ્ઞાનીઓ નવા કર્મો બંધાતા અટકાવે છે. જયારે બધા કર્મો પુરેપુરા ખલાસ થાય છે ત્યારે છેવટનો મોક્ષ થાય છે.