Description
આ પુસ્તકની શ્રેણીમાં (સીરીઝમાં) નીલ નામના બાળકની બાળ વયથી લઈને યુવાન વય સુધીની તેના મિત્રો સાથેની જીવન યાત્રાને દર્શાવવામાં આવી છે. આ પુસ્તકમાં બાળપણથી શરૂ કરીને યુવાવસ્થા (કિશોરાવસ્થા) દરમ્યાન આવતા માનસિક બદલાવો તેમજ શારિરીક અને ભાવનાત્મક પરિવર્તન અને તેના પરિણામે દરેક તબક્કે અનુભવાતી સમસ્યાઓ અને મૂંઝવણોને સચિત્ર દર્શાવવામાં આવી છે. પરમ પૂજ્ય દાદાશ્રી (આધ્યાત્મિક વિજ્ઞાની) કાયમ કહેતા કે, “અત્યારનું જનરેશન હેલ્ધી માઈન્ડવાળું છે. તેઓ ચોખ્ખા અને નિખાલસ છે. તેઓને કોઈપણ પ્રકારની મમતા નથી બસ, થોડા મોહી છે. આ છોકરાઓને વાળનાર જોઈએ. અમારા હાથે વળે એટલે ઓલરાઈટ થઈ જાય. પછી આમનામાં સંસ્કાર સિંચન બહું ઝાઝો સમય નહી લે.”
પરમ પૂજ્ય દાદાશ્રીની ઉપરોકત વાણીને ધ્યાનમાં રાખીને, એક સુંદર નાનકડી વાર્તા અહીં રજુ કરેલ છે, જેમાં એક ટીનેજર દ્વારા તેના રોજીંદા જીવનમાં અનુભવાતા પ્રસંગોનું વર્ણન છે. આ વાર્તાના પાત્રો ક્યારેક ફસામણ તો ક્યારેક મૂંઝવણ અનુભવે છે. ક્યારેક તેમાંથી તેઓ સલામત રીતે બહાર નીકળી જાય છે તો ક્યારેક તેઓને ખોટા રસ્તે ફસાઈ જતા દર્શાવેલ છે. તેના ખરાબ અને સારા પરિણામો અને સાથે સાથે કેવીરીતે તેઓ આ દરેક પ્રસંગોને પરમ પૂજ્ય દાદાશ્રીની સરળ અને અદભૂત સમજણથી ઉકેલે છે, તેનું કલાત્મક વર્ણન આ પુસ્તકમાં છે.
આ પુસ્તકમાં ....
આ વર્ષે નીલ જે ક્લાસમાં છે તે જ ક્લાસમાં રોહન, નામના એક હોશિંયાર વિદ્યાર્થીનો પ્રવેશ થાય છે. હવે રોહન ક્લાસમાં આવવાથી, સ્કુલમાં નીલને તકલીફ પડે છે. તેને હવે સ્પર્ધા અને ઈર્ષા જેવી લાગણીઓનો અનુભવ થાય છે. આ બધાની તેના ટીચર્સ, ફ્રેન્ડઝ અને ક્લાસમેટસ સાથેના સંબંધો પર અસર પડે છે.
રોહનનું રીઝલ્ટ સાંભળી નીલ એકદમ ખુશ થઈ ગયો કે, ‘મારો પહેલો નંબર પાકો. મારા ૯૦% તો આવશે જ.” એમ ખુશ થતો થતો એ એના રીઝલ્ટની રાહ જોઈ રહ્યો હતો. ત્યાં તો એનો નંબર બોલાયો. નીલ છાતી ફુલાવીને ઊભો થયો. સરે કહ્યું, “નીલ ફેઈલ થયો છે.” નીલથી બૂમ પડાઈ ગઈ, ‘ફેઈલ?’
..... અને નીલને ચક્કર આવી ગયા. એ જમીન પર પટકાઈ ગયો.
નીલે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા શું કરવું જોઈએ? સ્પર્ધાની આ નબળાઈમાંથી બીજા કરતાં ચડિયાતા વ્યકિત બનવાની હોડમાંથી તે કેવીરીતે બહાર નીકળ્યો?