Description
આ પુસ્તકની શ્રેણીમાં (સીરીઝમાં) નીલ નામના બાળકની બાળ વયથી લઈને યુવાન વય સુધીની તેના મિત્રો સાથેની જીવન યાત્રાને દર્શાવવામાં આવી છે. આ પુસ્તકમાં બાળપણથી શરૂ કરીને યુવાવસ્થા (કિશોરાવસ્થા) દરમ્યાન આવતા માનસિક બદલાવો તેમજ શારિરીક અને ભાવનાત્મક પરિવર્તન અને તેના પરિણામે દરેક તબક્કે અનુભવાતી સમસ્યાઓ અને મૂંઝવણોને સચિત્ર દર્શાવવામાં આવી છે.
પરમ પૂજ્ય દાદાશ્રી (આધ્યાત્મિક વિજ્ઞાની) કાયમ કહેતા કે, “અત્યારનું જનરેશન હેલ્ધી માઈન્ડવાળું છે. તેઓ ચોખ્ખા અને નિખાલસ છે. તેઓને કોઈપણ પ્રકારની મમતા નથી બસ, થોડા મોહી છે. આ છોકરાઓને વાળનાર જોઈએ. અમારા હાથે વળે એટલે ઓલરાઈટ થઈ જાય. પછી આમનામાં સંસ્કાર સિંચન બહું ઝાઝો સમય નહી લે.”
પરમ પૂજ્ય દાદાશ્રીની ઉપરોકત વાણીને ધ્યાનમાં રાખીને, એક સુંદર નાનકડી વાર્તા અહીં રજુ કરેલ છે, જેમાં એક ટીનેજર દ્વારા તેના રોજીંદા જીવનમાં અનુભવાતા પ્રસંગોનું વર્ણન છે. આ વાર્તાના પાત્રો ક્યારેક ફસામણ તો ક્યારેક મૂંઝવણ અનુભવે છે. ક્યારેક તેમાંથી તેઓ સલામત રીતે બહાર નીકળી જાય છે તો ક્યારેક તેઓને ખોટા રસ્તે ફસાઈ જતા દર્શાવેલ છે. તેના ખરાબ અને સારા પરિણામો અને સાથે સાથે કેવીરીતે તેઓ આ દરેક પ્રસંગોને પરમ પૂજ્ય દાદાશ્રીની સરળ અને અદભૂત સમજણથી ઉકેલે છે, તેનું કલાત્મક વર્ણન આ પુસ્તકમાં છે.
આ પુસ્તકમાં ....
નીલ ટીન એજમાં પ્રવેશ કરે છે.- એક એવી ચંચળ તોફાની ઉંમર કે જેમાં દુનિયા માત્ર મિત્રો અને સંબંધોની આસપાસ ફરે છે.
તનુએ યશ, નીલ અને અનુજને બિલ્ડીંગમાંથી બહાર નીકળતા જોયા. ત્રણે વાતોમાં એટલા મશગૂલ હતા કે કોઈએ તનુ ને જોઈ નહીં. તનુએ રસ્તો ક્રોસ કરી લીધો જેથી એ લોકો ને ખબર ન પડે અને નીચું જોઈને ચાલવા લાગી. એના હૃદયના ધબકારા વધી ગયા. ‘જો આ લોકો મને જોઈ જશે તો મારું સિક્રેટ ખુલ્લું પડી જશે. હું બધાને શું જવાબ આપીશ?’ અચાનક, અનુજનું તેના તરફ ધ્યાન ગયું. તનુની ચાલ પરથી એને ખ્યાલ આવી ગયો કે એણે જોયા છતાં બોલાવ્યા નથી. એને નવાઈ લાગી.
..... તનુ શા માટે છુપાઈને ગ્રુપથી દૂર ચાલી જાય છે? શું કારણ હોઈ શકે?..........